કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર હાલ ચરમસીમાએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કર્ણાટકના પ્રવાસે છે તેઓ એક દિવસમાં ચાર ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યાં છે તો હવે પોતાના અસ્તિત્વ માટે લડી રહેલી કોંગ્રેસ ને જીવતદાન આપવા સોનિયા ગાંધી પણ અહીં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય બરાબર ન હોવાના કારણે લાંબા સમયથી તેઓ ચૂંટણી ગતિવિધિઓથી પોતાની જાતને દૂર રાખી રહ્યાં હતા. તેઓ કર્ણાટકમાં 7થી 10 મે સુધી દક્ષિણ કર્ણાટક અને બેંગ્લુરુની આસપાસ ચૂંટણી પ્રચાર કરશે.ઓગસ્ટ 2016માં વારાણસીમાં એક રોડ શો દરમિયાન તેઓ બીમાર થયા હતાં. બીમારીના કારણે તેઓએ ત્યાં રોડશો અધવચ્ચે છોડવો પડ્યો હતો. ત્યારથી તેઓ કોઈ ચૂંટણી ગતિવિધિમાં સામેલ થયા નથી. ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં વડાપ્રધાન એક મેથી કર્ણાટકમાં છે. 8મી મેના રોજ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના દિગ્ગજ આમને સામને હશે. સોનિયા ગાંધી મંગળવારના રોજ બીજાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધશે. આ જ દિવસે આ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક રેલી સંબોધન કરશે. સોનિયા ત્યારબાદ ઉત્તરી કર્ણાટકમાં પ્રચાર કરશે. તે સમયે રાહુલ ગાંધી દક્ષિણ કર્ણાટકની કમાન સંભાળશે.