કઠુઆ અને ઉન્નાવની ઘટનાને કારણે દેશભરમાં લોકો રોષે ભરાયા છે. અને સરકાર સમક્ષ ગુનેગારો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આડેહાથ લીધા છે. મનમોહન સિંહે એક અખબાર સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીને ટોણો મારતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને સલાહ આપી હતી, હવે તેઓ પોતે તે સલાહ પર અમલ કરે અને આ ઘટના અંગે કંઇક બોલે.”
એક પ્રખ્યાત સમાચારપત્રની સાથે કરેલી વાતચીતમાં ડૉ. મનમોહન સિંહે કહ્યુ કે, “મને ખુશી છે કે નરેન્દ્ર મોદીએ આખરે આ બન્ને ઘટનાઓ પર ચુપકીદી તોડી અને કહ્યું કે ભારતની દીકરીઓને ન્યાય મળશે અને ગુનેગારોને છોડવામાં નહી આવે.”
મનમોહન સિંહને જ્યારે પૂછવામાં આવ્યુ કે જ્યારે ભાજપ તેમનો મજાક બનાવતા તેમણે ‘મૌન મોહન સિંહ’ કહેતી હતી, તો પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુ કે, તેમને આવા નિવેદનોની આદત છે અને આખું જીવન આવી કમેન્ટ્સ સાંભળી છે.” “પરંતુ મને લાગે છે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાની જ વધારે બોલવાની સલાહનું પાલન કરવું જોઈએ, જે તે મને આપતા હતા. પ્રેસના માધ્યમથી મને ખબર પડી કે તે મારા ઓછું બોલવાની ટીકા કરતા હતા.”
મનમોહન સિંહે વધુ માં જણાવ્યું કે, “પ્રધાનમંત્રી મોદીએ બોલવામાં મોડું કર્યું, આનાથી લોકોને વિચારવાનો મોકો મળ્યો કે આ કેસમાં દોષી બચી શકે છે. મને લાગે છે કે જે સત્તામાં છે તેમણે સમય પર બોલવું જોઈએ. UPA શાસનકાળમાં ભારતીય જનતા પાર્ટી મનમોહન સિંહ પર ના બોલવા માટે પ્રહાર કરવાની કોઈ તક નહોતી છોડતી.”
ત્યારબાદ મનમોહન સિંહે કહ્યુ કે, દિલ્હીમાં ૨૦૧૨માં થયેલા ગેંગરેપની ઘટના પછી કોંગ્રેસ પાર્ટી અને તેમની સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા હતા અને દુષ્કર્મના મામલાને લઇને કાયદામાં બદલાવ કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહે આગળ જણાવ્યું કે, “કઠુઆ મામલામાં જમ્મૂ-કાશ્મીરના CM મેહબૂબા મુફ્તી કેસને વધારે ગંભીરતાથી હેન્ડલ કરી શકતા હતા. શરુઆતમાં જ તેમણે આ કેસને પોતાના હાથમાં લીધો હોત તો વધારે સારુ હતુ. બની શકે કે તેમના પર ગઠબંધન સરકારનું દબાણ રહ્યુ હોય, ખાસ કરીને જ્યારે ભાજપના ૨ મંત્રી દુષ્કર્મના આરોપીઓના સમર્થનમાં આવી ગયા હતા.” આ સાથે જ ભાજપની સરકાર કાયદા અને વ્યવસ્થા, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા, મુસ્લિમોની હત્યા અને દલિતોની ઉત્પીડનને લઇને કંઇ નથી કરી રહી તેવા પણ આક્ષેપ લગાવ્યા હતા.
ત્રણ દીકરીઓના પિતા મનમોહન સિંહે જણાવ્યું કે, રિપોર્ટ્સ વાંચીને મને ખુબ જ દુ:ખ થયુ, ખાસકરીને જ્યારે બાળકીના પિતાએ કહ્યું કે, તેમની દીકરી એટલી નાની હતી કે હિન્દુ અને મુસ્લિમનો કે પછી તેના ડાબા અને જમણા હાથનો ફરક પણ નહોતી સમજતી.
તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, લોકો સરકારની સત્તાનો દુરુપયોગ કરે છે. તેમને લાગે છે કે, ગુનો કરીને તે આસાનીથી છુટી જશે. કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી છે. કેન્દ્રની ભાજપ સરકારે પોતાની રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લઘુમતી, દલિતો અને મહિલાઓની સુરક્ષા જળવાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપવો જોઈએ.