રામ મંદિર મામલે ભાજપે લોકો જોડે વિશ્વાસઘાત કર્યો: પ્રવીણ તોગડિયા

અમદાવાદમાં પ્રવિણ તોગડિયાએ આજે મોટી સંખ્યામાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. નોંધપાત્ર છે કે ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના ગ્રુપની વ્યક્તિની હાર થતા પ્રવિણ તોગડિયા વિહિપથી છૂટા થયા હતા. તે પછી રામમંદિર અને ગૌહત્યાના પ્રશ્નોને લઇને પ્રવીણ તોગડીયા અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા છે. અમદાવાદના પાલડી વિસ્તાર માં આવેલા વણિકર ભવનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતો સમેત પ્રવીણ તોગડિયાના સમર્થકો પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે તેમને પોલીસ મંજૂરી મળી નથી. તેમ છતાં કંઇ અનિચ્છનીય ના બને તે માટે પોલીસે ચાંપતો બંદોવસ્ત કર્યો છે.

ઉપવાસ પર જતા પહેલા હાજર મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે રામ મંદિર મામલે ભાજપે લોકો જોડે વિશ્વાસઘાત કર્યો છે. અને માટે જ તે આ અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેઠા છે. ભાજપે સત્તા પર આવતા પહેલા રામ મંદિર બનાવવાની વાત કહી હતી. અને હવે તે વાતને જ પકડીને હાલ પ્રવીણ તોગડિયા ઉપવાસ પર ઉતર્યા છે. જો કે પ્રવીણ તોગડિયાની વીએચપીની ચૂંટણીમાં હાર થયા પછી આ ઉપવાસની રાજનીતિને એક રીતે તેમનું શક્તિ પ્રદર્શન મનાવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *