ભરતસિંહ સોલંકીના રાજીનામા બાદ તેમના સ્થાને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ટુંક સમયમાં જિલ્લામાં પ્રવાસનો કાર્યક્રમ કરવામાં આવશે. લોકો સાથે સંવાદ કરવામાં આવશે. સંગઠનને બુથ સુધી લઇ જઇને લોકસભાની તૈયારી કરાશે. પ્રજાની લડાઇને કોંગ્રેસ વાચા આપશે.
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને કારભાર સોંપાયો છે. અમિત ચાવડા આણંદ જિલ્લાની આંકલાવ બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે.તેઓ છેલ્લી 3 ટર્મથી સતત ચૂંટાઈને આવે છે. અમિત ચાવડા જેઓ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. તેમણે વિધાનસભામાં ઉપદંડક તરીકે જવાબદારી સંભાળી હતી.
જાણો અમિત ચાવડા વિશે
– અમિત ચાવડા કેમિકલ એન્જિનિયર (૧૯૯૫)ની ડિગ્રી ધરાવે છે
– અમિત ચાવડાની ઉંમર ૪૧ વર્ષ છે
– ૨૦૧૭ની એફિડેવિટ પ્રમાણે ૧ કરોડની સંપત્તિ
-૨૦૦૪માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા. આ સીટ પરથી પહેલાં ભરતસિંહ સોલંકી ધારાસભ્ય હતા. ભરતસિંહ પહેલાં આ સીટ પરથી ભરતસિંહના પિતા માધવસિંહ સોલંકી પણ ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. આમ, અમિત ચાવડાને ધારાસભ્ય પણ વારસામાં મળેલું છે.
– ચાર ટર્મથી ચૂટાય છે અમિત ચાવડા
– ૨૦૧૨ વિધાનસભા જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત બહાર આવ્યા બાદ ભરતસિંહ સોલંકીએ ૧૫ દિવસ વિદેશ પ્રવાસે જવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેમણે આ વિદેશ પ્રવાસ રદ્દ કર્યો હતો. કોંગ્રસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે તેમના રાજીનામાની વાત અંગે ખુલાસો માંગતા પ્રવાસ રદ્દ કર્યો હતો. ભરતસિંહે બરફ વર્ષાનું બહાનું બતાવી આ પ્રવાસ રદ્દ કરવા અંગે ટ્વિટ કર્યું હતું.
ગુજરાત કોંગ્રેસ ના નવા પ્રદેશ પ્રમુખ માટે શું પડકાર છે
– મૃતપ્રાય સંગઠનને ચેતનવંતુ બનાવવુ પડશે
– સિનિયર નેતાઓ અને યુવા નેતાઓનો સમન્વય સાધવો પડશે
– પાટીદારની સાથે લઘુમતી, આદિવાસી, દલિતોની લડતને આગળ ધપાવવી પડશે
– કોંગ્રેસના આંતરિક જૂથબંધીને ડામવી પડશે
– પ્રજાના પ્રાણપ્રશ્નો માટે સતત ઝઝુમવુ પડશે
– માત્ર હોદ્દા ભોગવતા નેતાઓને બદલે પાયાના કાર્યકરોને પ્રોત્સાહન આપવુ પડશે