સિનિયર અભિનેત્રી રત્ના પાઠક શાહે કહ્યું હતું કે ૬૦ વર્ષની વયે મને બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળ્યો તેથી મને પોતાને વિસ્મયનો અનુભવ થયો હતો. લીપસ્ટિક અન્ડર માય બૂરખા ફિલ્મમાં રત્ના પાઠક શાહે મુખ્ય રોલ કર્યો હતો. અલંકૃતા શ્રીવાસ્તવની આ ફિલ્મમાં તેમની સાથે કોંકોણા સેન શર્મા, અહાના કુમરા અને પ્લાબિતા બોર ઠાકુર ચમક્યાં હતાં. જો કે ફિલ્મે થોડો વિવાદ પણ સર્જ્યો હતો અને એક તબક્કે સેન્સર બોર્ડે એને સર્ટિફિકેટ આપવાનો પણ ઇનકાર કર્યો હતો. આ એવોર્ડ નક્કી કરનારી નિર્ણાયકોની ટુકડીમાં સિનિયર ફિલ્મ સર્જક સુધીર મિશ્રા, ટોચની કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક ફારાહ ખાન, નિર્માતા નિખિલ અડવાણી અને સુજોય ઘોષનો સમાવેશ થયો હતો. ન્યૂઝરીલ મૂવી એવોર્ડ ૨૦૧૮ના સમારોહમાં આ એવોર્ડ અન્ય સિનિયર અભિનેતા રજત કપૂરે રત્નાને અર્પણ કર્યો હતો. રત્નાએ ન્યૂઝ ૧૮ ચેનલનો અને પોતાને આ એવોર્ડ માટે યોગ્ય ગણનારી જ્યુરીનો જાહેર આભાર માન્યો હતો. ખાસ તો એણે કહ્યું કે ૬૦ વર્ષની અભિનેત્રીને આ એવોર્ડ આપવાની હિંમત તેમણે દેખાડી એ માટે હું તેમનો ખરેખર દિલથી આભાર માનું છું.
