જાણીતા ગાયક કલાકાર દલેર મહેંદી કબૂતરબાજીના કેસમાં દોષિત ઠર્યો છે. પંજાબની એક સ્થાનિક અદાલતે શુક્રવારે દલેર મહેંદીને દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની સજા સંભળાવી છે. મીડિયા અહેવાલ અનુસાર દલેર મહેંદીના ભાઈ શમશેર સિંઘને પણ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. જોકે, દલેર મહેંદીને બાદમાં જામીન મળી ગયા હતા.
મીડિયા અહેવાલ મુજબ દલેર અને તેનો ભાઈ ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના કેસમાં દોષિત ઠર્યા છે. આ બંને લોકોને પોતાના ક્રૂ મેમ્બર ગણાવીને વિદેશ લઈ જતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી રૂપિયા લેતા હતા.
નોંધનીય છે કે 1998 અને 1999 દરમિયાન આ બંને ભાઈઓએ 10 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડ્યા હતા. બખ્શીસ સિંઘ નામના એક વ્યક્તિએ 2003મા દરેલ મહેંદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી.
દલેર મહેંદી અને અન્ય લોકો વિરુદ્ધ 2003મા કબૂતરબાજીનો કેસ નોંધાયો હતો. તેમના વિરુદ્ધ 31 મામલા મળ્યા હતા. દલેર મહેંદીએ 1998 અને 1999મા અમેરિકામાં શો કર્યા હતા. પોતાના ક્રૂના 10 સભ્યોને તેણે અમેરિકામાં જ છોડી દીધા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેણે આ લોકો પાસેથી રૂપિયા પણ લીધા હતા. આ દરમિયાન એક એક્ટ્રેસ સાથે અમેરિકાના પ્રવાસે ગયેલા દલેર મહેંદીએ ક્રૂ મેમ્બર્સની ત્રણ છોકરીઓને સાન ફ્રાન્સિસ્કોમાં છોડી દીધી હતી.