રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન પદે સ્મિથની જગ્યાએ રહાને હશે નવો કેપ્ટન

70
966

બોલ ટેમ્પરિંગના લીધે ઑસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ સ્ટીવ સ્મિથને વધુ એક ઝાટકો લાગ્યો છે. સ્મિથને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપમાંથી પણ હટાવાનો નિર્ણય કરાયો છે. તેની જગ્યાએ હવે ભારતીય બેટસમેન અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવાયો છે. રાજસ્થાન રોયલ્સ એ સત્તાવાર નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે.

બે વર્ષ બાદ આઇપીએલમાં પરત ફરી રહેલ રાજસ્થાનની ટીમે આ સીઝન માટે સ્મિથને કમાન સોંપી હતી. આઇપીએલની ગઇ સીઝનમાં સ્મિથ રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટસની ટીમનો કેપ્ટન હતો. જ્યાં તેની ટીમે ફાઇનલ સુધીની સફર કરી હતી.

આની પહેલાં રવિવારના રોજ બોલ ટેમ્પરિંગના મામલામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ઑસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઓપનર બેટસમેન કેમરલ બૈનક્રૉફ્ટને દોષિત ગણાવ્યા હતા. આઇસીસીએ જ્યાં કેપ્ટન સ્મિથને એક મેચ માટે સસ્પેન્ડ કર્યો અને સાથો સાથ તેના પર 100 ટકા મેચ ફીનો દંડ પણ ફટકાર્યો. ત્યાં ઓપનર કેમરન બેનક્રૉફટ પર મેચ ફીના 75 ટકા દંડ ફટકાર્યો. તેને 3 ડીમેરિટ પોઇન્ટ પણ આપ્યા.
નિવેદન મુજબ આઇસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચડર્સને સ્મિથ પર આચારસંહિતાના અનુચ્છેદ 2.2.1ના ઉલ્લંઘનની અંતર્ગત આરોપ મૂકયા છે.