કોણે કહ્યું કે સાડી પહેરવાથી ‘આંટી’ બની જવાય: સાડી જેવું લાલિત્યપૂર્ણ પરિધાન બીજું કોઈ નથી

94
749

આપણા મૂળભૂત પરિધાન સાડીની ઉત્તરોત્તર ઘટતી જતી લોકપ્રિયતાને ફરીથી વધારવામાં મહત્ત્વનો ફાળો આપનાર ભારતના એક જાણીતા ડિઝાઈનરે તાજેતરમાં હાર્વર્ડ ખાતે યોજાયેલા એક સમારંભમાં સાડી સામે મોં મચકોડનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. મહિલાઓને સાડી પહેરતાં જ ન આવડે એ વાતને તેણે શરમજનક ગણાવી હતી.એટલું જ નહીં, તેણે મહિલાઓની માફી માગવા સાથે એક ખુલ્લો પત્ર લખીને જણાવ્યું હતું કે ઘણાં લોકો સાડીને ‘બોડી શેમિંગ’ (લજ્જાસ્પદ) કહે છે. સાડી પહેરનારી મહિલાઓને ‘આંટીજી’ કહીને ઉતારી પાડે છે. શું આટલું વ્યવસ્થિત અને મોહક પરિધાન લજ્જાસ્પદ હોઈ શકે?

અહીં પ્રશ્ન એ છે કે શું તમે પણ સાડી પહેરનારી પામેલાઓને ‘આંટીજી’ માનો છો? શું તમને પણ એમ લાગે છે કે સાડી માત્ર પુરાણા જમાનાની કે જુનવાણી વિચારો ધરાવતી મહિલાઓ જ પહેરે? જો તમે આવું વિચારતા હો તો સાડી વિશેના કેટલીક જાણીતી અભિનેત્રીઓના અભિપ્રાય જાણવા જેવા છે.

સૌથી પહેલા બોલીવુડ ની અભિનેત્રી સોનમ કપૂરના અભિપ્રાય જાણીએ. એ વાત સર્વવિદિત છે કે સોનમ અભિનેત્રી કરતાં ફેશનિસ્ટ તરીકે વધુ જાણીતી છે. તે દુનિયાભરના ફેશન શોઝમાં ભાગ લે છે. તેણે વિશ્વભરના ખ્યાતનામ ડિઝાઈનરોના ડિઝાઈનર પોશાક પહેરીને રેમ્પ વોક કર્યું છે.આમ છતાં તે માને છે કે સાડીમાં જેટલી વિવિધતા છે એટલી અન્ય કોઈ પરિધાનમાં નથી. તાજેતરમાં તેણે પોતાનો સાડી પહેરેલો એક ફોટો સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું ‘હેપિએસ્ટ ઈન સાડી’. સોનમ હમેશાં ભારપૂર્વક કહે છે કે બીજા કોઈ પોશાક સાડી જેટલાં લાલિત્યપૂર્ણ-સુરૃચિપૂર્ણ નથી. માકા માનીતા વસ્ત્રોમાં સાડી પણ સામેલ છે.

વિદ્યા બાલન તો તેના સાડી પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે જ. તે કહે છે કે મેં જ્યારે પણ અન્ય કોઈ પોશાક પહેર્યો છે ત્યારે મારી મજાક ઉડાડવામાં આવી છે. વાસ્તવમાં મને સાડી અત્યંત પ્રિય છે. આ પરિધાન મને એકદમ સુવિધાજનક લાગે છે.

ગાઉ ક્યારેક અન્યોને રાજી રાખવા મેં બીજા ડ્રેસ પહેર્યાં છે. પરંતુ તેનાથી કોઈ ખુશ નથી થયું. છેવટે મને એમ લાગ્યું કે હું આવા પ્રયાસો શા માટે કરી રહી છું. મારે એ જ પહેરવું જોઈએ જે મને ગમે છે અને જેમાં હું હળવાશ અનુભવું છું. છેવટે મેં માત્ર સાડી જ પહેરવાનું શરૃ કર્યું. અને મારા આશ્ચર્ય વચ્ચે તે બધાને ગમી ગયું છે.

અભિનેત્રી તમન્ના ભાટિયા પણ માને છે કે સાડી પહેરવાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. તે કહે છે કે હું માત્ર ૧૬ વર્ષની હતી ત્યારથી સાડી પહેરતી આવી છું. ખાસ પ્રસંગોએ સાડી પહેરવાનું મને બહુ ગમે છે. જ્યારે કોઈપણ યુવતી સાડી પહેરે ત્યારે તે વધુ સુંદર લાગે છે. સાડીમાં તેનું સ્ત્રીત્વ ખીલી ઉઠે છે. આ એક એવું પરિધાન છે જેની ફેશન કાયમ રહે છે.

એક વોઈસઓવર આર્ટિસ્ટ ઋજુતા આવ્હાડ કહે છે કે વાસ્તવમાં મને વિદ્યા બાલનને જોઈને સાડી પહેરવાની પ્રેરણા મળે છે. સાડીમાં તમે જેટલી મોકલાશ અનુભવો એટલી અન્ય કોઈ પોશાકમાં ન અનુભવો. તે વધુમાં કહે છે કે હું ભલે દરરોજ સાડી નથી પહેરતી. પરંતુ પ્રસંગોપાત સાડી પહેરું ત્યારે અચૂક નોખી તરી આવું છું.