ભરૂચ માં 4 વર્ષ ના બાળક સાથે અધમ કૃત્ય બાદ હત્યા કરવા બદલ શખ્સ ને ફાંસી ની સજા

110
648

ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા પીલુદ્રા ગામ માં વર્ષ ૨૦૧૬માં ચાર વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરૃધ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકની હત્યા કરીને લાશને ઝાડીમાં ફેંકી દેનાર ગામના જ નરાધમને આજે ભરૃચની પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

ઘરની બહાર રમતા બાળકને આઇસ્ક્રીમની લાલચ આપીને ગામનો જ યુવક લઇ ગયો હતો, પીરની દરગાહ પાછળના ભાગમાં આવેલ ઝાડીમાં આ અધમ કૃત્ય આચર્યું હતું.

ભરૃચના જંબુસર તાલુકા માં આવેલ પીલુદ્રા ગામે તા.૧૬ એપ્રિલ ૨૦૧૬ના રોજ એક ચાર વર્ષનો બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારબાદ ગામમાં જ રહેતો અને છૂટક મજૂરી કરીને રખડી ખાતો ૨૫ વર્ષનો શંભુ રાયસંગ પઢીયાર ત્યાં આવ્યો હતો. અને શંભુએ બાળકને આઇસક્રીમ આપવાની લાલચ આપી હતી અને પોતાની સાથે લઇ ગયો હતો.ત્યાર બાદ બીજી તરફ બાળક કલાકો સુધી ઘરે પરત નહી આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનો બાળકને શોધી રહ્યા હતા ત્યારે જ બાળકના ઘરથી આશરે દોઢ કિ.મી. દૂર આવેલ પીરની દરગાહ પાછળ આવેલી ઝાડીમાં આ બાળકની લાશ પડી હોવાની ગામના જ એક યુવકને જાણ થઇ હતી એટલે પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને તેમના બાળકની લાશ હોવાની પુષ્ટી કરી હતી.

આ ઘટના સંદર્ભે ફરિયાદ બાદ જંબુસર પોલીસે બીજા દિવસે શંભુને ઝડપી પાડયો હતો અને તપાસ કરતા આખી ઘટના બહાર આવી હતી કે શંભુ બાળકને ઝાડીઓમાં લઇ ગયો હતો અને ત્યારબાદ તેણે બાળક સાથે સૃષ્ટી વિરૃધ્ધ કૃત્ય આચર્યું હતું જે બાદ બાળકનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે શંભુ વિરૃધ્ધ હત્યાનો અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ ભરૃચની પોક્સો કોર્ટમાં ચાલી જતાં જિલ્લા મદદનીશ સરકારી વકીલ આર.જે.દેસાઇની દલીલો અને પુરાવાઓના આધારે સ્પેશ્યલ પોક્સો જજ એચ.એ. દવેએ શંભુને સૃષ્ટી વિરૃદ્ધના કૃત્ય બદલ પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદની સજા અને હત્યા બદલ આઈ. પી. સી.ની કલમ ૩૦૨ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.