ભારત બંધ: મધ્ય પ્રદેશમાં ભારે હિંસા, ૪ ના મોત, ૩૦ લોકો ઘાયલ

એસસી/એસટી એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના મુરૈનામાં થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બાડમેર અને મધ્યપ્રદેશના ભીંડમાં બે જૂથ વચ્ચે થયેલી ઝપાઝપીમાં કુલ ૩૦ લોકો ઘાયલ થયા છે. બાડમેરમાં ઘણાં વાહનો પણ સળગાવામાં આવ્યા છે.

ભારત બંધની ક્યાં ક્યાં અસર

રાજસ્થાન

રાજસ્થાન ના બાડમેરમાં દલિત સંગઠનો અને કરણી સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં ૨૫ લોકો ઘાલ થયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં કરણી સેના બંધના સમર્થનમાં ઉતરી હતી, જેનો દલિત સંગઠને વિરોધ કર્યો હતો. બીજી બાજુ ભરતપુરમાં મહિલાઓએ હાથમાં લાકડી લઈને રોડ-રસ્તા ઉપર વિરોધ નોંધાવ્યો હતો. અલવરમાં એક મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પુષ્કરમાં ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશ ના ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં વધારે હિંસા થઈ છે. ગ્વાલિયરમાં હિંસામાં ૩ લોકોના મોત થયા છે. ટોલ પ્લાઝામાં પણ તોડ-ફોડ કરવામાં આવી છે. રસ્તા ઉપર વાહન સળગાવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભિંડના મહેગાંવ અને ગોહદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ઝાબુઆના બજારમાં તોડફોડ કરવામાં આવી છે. સાગરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.

પંજાબ

પંજાબમાં દરેક સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્ક બંધ કરી દેવામાં આવી છે. સીબીએસઈની ૧૦માં અને ૧૨માં ધોરણની એક્ઝામ પાછી ઠેલવામાં આવી છે. રાતે ૧૧ વાગ્યા સુધી બસ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાબળોએ ૧૨ હજાર વધારાનું સૈન્ય સુરક્ષા માટે તહેનાત કર્યું છે.

દલિત સંગઠનોની માગ શું છે?

દલિત સંગઠનોની માગણી છે કે, અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯માં સંશોધનને પરત લઈને એક્ટને પહેલાંની જેમ લાગુ કરવામાં આવે.

કેન્દ્ર શું દલીલ કરી શકે છે?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરજીમાં સામાજિક ન્યાય અને અધિકારીક મંત્રાલયની દલીલ હશે કે, આ નિર્ણયથી એસસી-એસટી એક્ટના નિયમો નબળાં થશે. લોકોને આ કાયદાનો ડર ઘટશે, તેના કારણે નિયમોનું ઉલ્લંઘન પણ વધી જશે.

કોંગ્રેસે સરકારે કહ્યું- સરકારે યોગ્ય રીતે કેસની રજૂઆત નથી કરી

કોંગ્રેસ સરકારના રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં ચોક્કસ રિવ્યૂ પિટીશન દાખલ કરવી જોઈએ. તે સરકારનો હક છે. જોકે રિયલ સવાલ એ છે કે, સરકારે આ કેસ યોગ્ય રીતે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. તેની તપાસ થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે શું ચૂકાદો આપ્યો?

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરૂપયોગને રોકવા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં એસસી/એસટી માં તાત્કાલિક ધરપકડ ન કરવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત એસસી/એસટી એક્ટ અંતર્ગત દાખલ થનારા કેસમાં આગોતરા જામીનને પણ મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે.ગોયલ અને યુ.યુ.લલિતની બેંચે કહ્યું હતું કે આ કાયદા અંતર્ગત દાખલ મામલાઓમાં ઓટોમેટિક ધરપકડના બદલે પોલીસે ૭ દિવસની અંદર તપાસ કરવી જોઈએ અને તે બાદ એકશન લેવા જોઈએ. આ ઉપરાંત ઉચ્ચ અદાલતે કહ્યું હતું કે સરકારી અધિકારીની ધરપકડ એપોઈન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વિના ન થઈ શકે. જ્યારે બિન સરકારી કર્મચારીની ધરપકડ માટે એસએસપી ની મંજૂરી લેવી જરૂરી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *